Khoj Museum
સાયન્સ સેન્ટર સુરત સ્થિત મ્યુઝિયમ બિલ્ડીંગ ખાતે તા. ૨૯/૦૯/૨૦૨૨ ના રોજ માન. પ્રધાનમંત્રીશ્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા અને GCSRAના સયુંક્ત ઉપક્રમે સાકારીત કરેલ "ખોજ મ્યુઝિયમ" નું ઈ -લોકાર્પણ કરવામાં આવેલ.
"ખોજ-વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ" એ બાળકો માટેનું મ્યુઝિયમ છે કે જે ઈન્ટેરેકટીવ ડિસ્પ્લે,વિવિધ અન્વેષણ આધારીત પ્રવૃતિઓ અને જિજ્ઞાસા આધારીત સંશોધનો દ્વારા વિજ્ઞાન, કળા અને નવીનતાને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "મહેરબાની કરી અડકશો નહી" ના બોર્ડ ધરાવતા સામાન્ય મ્યુઝિયમથી વિરુદ્ધ ખોજ મ્યુઝિયમ ખાતે મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને વિભાવનાઓ સાથે વાર્તાલાપ કરવા, ભાગ લેવા, રમવા અને અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાના નેતૃત્વ હેઠળ અને ગુજરાત સી.એસ.આર. ઓથોરીટી (GCSRA)ના સયુંક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડના CSR સમર્થનથી "ખોજ - વિજ્ઞાન+કળા+નવિનીકરણ મ્યુઝિયમ" સાયન્સ સેન્ટર સુરત સંકુલ, સીટીલાઈટ રોડ, સુરત ખાતે વિક્સાવવામાં આવ્યુ છે.
"ખોજ મ્યુઝિયમ" સુરતમાં મુખ્યત્વે બે ગેલેરીઓ તથા એક કાર્યશાળા અને 'હોલ ઓફ ફેમ'નો સમાવેશ થાય છે. ખોજ મ્યુઝિયમના ભોંયતળિયે 'વાયરોસ્ફીયર' ગેલેરી પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગેલેરી વાઈરસ(વિષાણું) અને તેના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ આપે છે, જેમાં વિષાણુંનો પરીચય, વિષાણુંનો ઈતિહાસ, સૂક્ષ્મ જીવોનુ વિશ્વ, વિષાણું અને જીવન, વિષાણુંનો ફેલાવો, કોરોના વાઈરસ અને મહામારી દરમ્યાન થયેલા નવીનીકરણનો સમાવેશ થાય છે. મ્યુઝિયમ ના આ ભાગમાં વિદ્યાર્થીઓ વિષાણુંના વિવિધ પાસાઓને સમજવા કેટલીક પ્રવૃતિઓ, પ્રયોગો અને અંવેષણો(ખોજ) કરશે. વિષાણુંનું કદ, પોતાના હાથમાં રહેલા જંતુઓનુ નિરિક્ષણ વિગેરે જેવા વિવિધ ખ્યાલોનું અન્વેષણ આ ગેલેરીમાં કરવામાં આવશે, જેને સમજવા માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો અને માહિતીદર્શક પેનલોનો સમાવેશ થયેલ છે.
અન્ય પ્રદર્શન 'સ્થાયી વિકાસ ધ્યેયો (Sustainable Development Goal)' થીમ આધારીત છે. હાલમાં સ્થાયી વિકાસ ધ્યેયો વિશે નિતિવિષયક મંચમાં જ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક બદલાવ ત્યારે આવી શકે છે જ્યારે તેને શિક્ષણ પદ્ધતિમા અને સમાજમાં વણી લેવામા આવે. આ પ્રદર્શન મુખ્યત્વે પર્યાવરણ અને સ્થાયી વિકાસ, વાતાવરણ અને સ્થાયી વિકાસ, પ્રદુષણ અને સ્થાયી વિકાસ, ઉર્જા અને સ્થાયી વિકાસ જેવા કેન્દ્રસ્થ વિષયો પર આધારીત છે.
'ખોજ મ્યુઝિયમ' ની બે (૨) ગેલેરીઓની મુલાકાત લેવા માટેના ટીકીટ રેટ:
વિઝીટનો પ્રકાર | ૫ થી ૧૮ વર્ષ | ૧૮ કે તેથી વધુ વર્ષ |
---|---|---|
જનરલ વિઝિટ | ૪૦/- | ૬૦/- |
શાળા / કોલેજની વિઝિટ | ૨૦/- | ૩૦/- |